Tuesday, 17 June 2025

ટ્રાફિક જાગૃતિ અભિયાન

 

ટ્રાફિક જાગૃતિ અભિયાન

 

          તારીખ 17 /6 /2025 ના રોજ  ડી.ઈ.ઓ. કચેરી નવસારી પ્રેરિત તથા આર.ટી.ઓ નવસારી તેમજ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આયોજિત નવસારી ટ્રાફિક જાગૃતિ અભિયાન- 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પરમાત્માના સ્મરણ કરતા સુંદર શ્લોક સાથે કરવામાં આવી.  આચાર્યશ્રી અમિષ મહેતા દ્વારા મહેમાનોનો શાબ્દિક આવકાર તેમજ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. ત્યારબાદ ટ્રાફિક ઇન્સ્પેક્ટર શ્રી પી. જી. દાવડા સાહેબે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ટ્રાફિક જાગૃતતાને લગતા તમામ નિયમોની ઉદાહરણ સાથે સમજ આપી.જેમાં જાગૃત નાગરિક તરીકે ટ્રાફિક નિયમોનું પાલન કેમ જરૂરી છે? તથા નિયમોના ભંગ બદલ દંડની જોગવાઈ વગેરેનો સમાવેશ થયો. આર.ટી.ઓ. કચેરી નવસારીના ઇન્સ્પેક્ટર ડી.કે. રાદડિયા સાહેબ હળવી શૈલીમાં ટ્રાફિક નિયમોની સમજ આપી. જેમાં વાહન ચલાવતી વખતે મોબાઇલના ઉપયોગ અને ચાલુ વાહને કરવામાં આવતા સ્ટંટના ભયસ્થાનોની  સ્પષ્ટ સમજ આપી હતી. આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં ધોરણ 11 અને 12 ના કુલ 215 વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો. લગભગ 1.15 કલાક સુધી ચાલેલા આ ટ્રાફિક જાગૃતતાના કાર્યક્રમનું સમાપન શ્રીમતી દિવ્યાબેન પરમારની આભાર વિધિ દ્વારા કરવામાં આવ્યું.



Saturday, 14 June 2025

"સંવિધાન હત્યા દિવસ "ની ઉજવણી

 "સંવિધાન હત્યા દિવસ "ની ઉજવણી



જિલ્લા કલેકટર સાહેબના આદેશ અનુસાર 25 જુન 2025 ના દિવસે "સંવિધાન હત્યા દિવસ "ની ઉજવણીના ભાગરૂપે મતિયા પાટીદાર વાડીમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સંવિધાનની મૂળભાવના તેમજ લોકતાંત્રિક મૂલ્યો પ્રતિ જાગરૂપતા ઉત્પન્ન કરવાનો હતો.

           આ કાર્યક્રમમાં ધોરણ 11 કોમર્સના 54 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મતિયા પાટીદાર વાડીમાં ટીવી પર જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ દિવસની ઉજવણીના ઉદ્દેશોથી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. આજના દિવસનું મહત્વ સમજાવ્યું. 

                ત્યારબાદ મતિયા પાટીદાર વાડી (કોર્ટની પાછળ )થી  સર્કિટ હાઉસ (લુન્સીકૂઈ) સુધી મસાલ તેમજ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.



વિશ્વ રક્તદાતા સન્માન દિવસ તથા રક્ત જૂથ શોધક કાર્લ લેન્ડ સ્ટેઇનરની જન્મ જયંતી

 

વિશ્વ રક્તદાતા સન્માન દિવસ

તથા

રક્ત જૂથ શોધક કાર્લ  લેન્ડ સ્ટેઇનરની જન્મ જયંતી


        ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જુનિયર રેડ ક્રોસ દ્વારા આયોજિત વિશ્વ રક્તદાતા સન્માન દિવસ તથા માનવ રક્ત જૂથ ની શોધ કરનાર વૈજ્ઞાનિક તરીકે ઓળખાતા કાર્લ લેન્ડ સ્ટેઈનરની જન્મ જયંતિ તારીખ 14 જૂનના રોજ ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી અમિત મહેતા અને સજી જોયના માર્ગદર્શન હેઠળ 12th કોમર્સના 15 વિદ્યાર્થીઓ દ્વારા પેમ્પલેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ રેડક્રોસના કાર્યક્રમમાં માનનીય કેરસી દેબુ સાહેબે (Ex-Vice President, Minstry of Minority Affiars, Delhi) હાજરી આપી હતી. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય પોતાના અસ્તિત્વના અંશનું દાન કરી માનવ જિંદગી બચાવવા માટે રક્ત દાતાઓને વધારવાનો હતો.

Monday, 5 May 2025

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ શેઠ આર.જે. જે. હાઈસ્કૂલનું 100 ટકા પરિણામ.

 ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ  શેઠ આર.જે. જે. હાઈસ્કૂલનું 100 ટકા પરિણામ.



            

SHAH JINANG PREYASKUMAR

SHAH DHRUVIL VIMALKUMAR

PATEL AARYAN RAJESHKUMAR

A1

A1

A1

96.43

94.00

90.57



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 5 /5 /2025 ને સોમવારે જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં નવસારીની શેઠ આર.જે.જે હાઈસ્કૂલનું પરિણામ 100% આવ્યું છે. શાળાના ત્રણ વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં, 19 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં, 26 વિદ્યાર્થીઓ B1 ગ્રેડમાં અને 13 વિદ્યાર્થીઓ B2 ગ્રેડમાં આવ્યા છે. શાળાના કુલ 61 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આ તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ   થતા શાળાનું પરિણામ 100% આવ્યું છે. શાળાનો વિદ્યાર્થી શાહ જીનાંગ પ્રિયસ કુમારે 96.4 ટકા  સાથે A1ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ ક્રમે આવ્યો છે. શાહ ધ્રુવિલ  વિમલકુમાર 94% સાથે A1 ગ્રેડ મેળવી દ્વિતીય ક્રમ તેમજ પટેલ આર્યન રાજેશ કુમારે 90.6% સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.

છેલ્લા બે વર્ષથી સતત A1 ગ્રેડના વિદ્યાર્થીઓ સાથે 100 ટકા પરિણામ લાવવા બદલ શાળાના આચાર્યશ્રી અમિષ મહેતા શાળા મેનેજમેન્ટ તેમજ સમગ્ર શાળા પરિવાર ખૂબ આનંદ તેમજ ગૌરવની લાગણી અનુભવે છે. શાળા મેનેજમેન્ટ તેમજ સમગ્ર શાળા પરિવારે ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે

નવસારીની શેઠ આર.જે. જે. હાઈસ્કૂલનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 90 ટકા પરિણામ.

 

નવસારીની શેઠ આર.જે. જે. હાઈસ્કૂલનું ધોરણ 12   વિજ્ઞાન પ્રવાહનું 

90 ટકા  પરિણામ.


PATEL HEER VIJAYKUMAR

SIDAT MARIYA YUSUF

A1

A2

92

90.57

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સોમવારે જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 90 ટકા આવ્યું છે. શાળાની એક વિદ્યાર્થીની A1 ગ્રેડમાં, એક વિદ્યાર્થીની A2   ગ્રેડમાં, સાત વિદ્યાર્થીઓ B1 ગ્રેડમાં,  ત્રણ વિદ્યાર્થીઓ  B2 ગ્રેડમાં, આઠ વિદ્યાર્થીઓ C1 ગ્રેડમા અને 12 વિદ્યાર્થીઓ C2 ગ્રેડમાં આવ્યા છે. શાળાના કુલ 40 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી 36 વિદ્યાર્થીઓ ઉતીર્ણ  થતાં શાળાનું પરિણામ 90 ટકા આવ્યું છે. શાળાની વિદ્યાર્થીની પટેલ હીર વિજય કુમારે 92% સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ આવી છે. સિદાત મારિયા યુસુફ 90.57 ટકા સાથે દ્વિતીય ક્રમે આવી છે. શાળાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું સુંદર પરિણામ લાવવા બદલ શાળાના આચાર્યશ્રી અમિષ મહેતા,સમગ્ર શાળા મેનેજમેન્ટ આનંદની લાગણી સાથે ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા છે.


Thursday, 1 May 2025

ખેલ મહાકુંભ 3.0 ની રાજ્ય કક્ષા

 



તારીખ 1 /5 /2025 ના રોજ ખેલ મહાકુંભ 3.0 ની રાજ્ય કક્ષાની સ્પર્ધા સુરત ખાતે યોજાઇ હતી. જેમાં open કેટેગરીમાં U 45 kg માં જીલય જીતેશકુમાર આહિરે Bronze મેડલ  પ્રાપ્ત કરેલ છે.

Thursday, 20 March 2025

રાજ્યકક્ષા કલામહાકુંભ સ્પર્ધા

 

રાજ્યકક્ષા કલામહાકુંભ સ્પર્ધા 



જિલ્લા  યુવા વિકાસ અધિકારી,જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા  આયોજિત કલા મહાકુંભ સ્પર્ધા 20 મી માર્ચના રોજ ગાંધીનગર મુકામે સંકુલ સેક્ટર 11 માં યોજાઈ હતી. આ રાજ્યકક્ષા કલા મહાકુંભ  સ્પર્ધામા 15 થી 20 વય જૂથની વિવિધ સ્પર્ધાઓ પૈકી નિબંધ સ્પર્ધામાં સુરતી યાશિયાના મેજરબાને પ્રથમ ક્રમ  પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું.

Thursday, 13 March 2025

ઢાઈ અખ્ખર પત્રલેખન સ્પર્ધા

 

ઢાઈ અખ્ખર પત્રલેખન સ્પર્ધા






     ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા લેવાયેલ ઢાઈ અખ્ખર પત્રલેખન સ્પર્ધામાં ઇનલેન્ડ લેટર કાર્ડ કેટેગરીમાં બે જુદાજુદા વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરી શાળાની વિશિષ્ટ સિદ્ધિમાં સુવર્ણ મોરપીંછ ઉમેર્યું છે. 18 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓના વિભાગમાં શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષિકા દિવ્યા એસ. પરમારે સમગ્ર ગુજરાત સર્કલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે આજ કેટેગરીમાં શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંગ્રેજી વિષયના મદદનીશ શિક્ષિકા સજી જોય ચકકાલિકલે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત 18 વર્ષની ઉંમરની એન્વેલપ કેટેગરીમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વિદ્યા પી. ઢીમ્મરે સમગ્ર ગુજરાતમાં બીજું સ્થાન અને ખુશ્બુ એન. મિસ્ત્રીએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી શાળાની વિશિષ્ટ સિદ્ધિમાં વધારો કર્યો છે. ઉપરની કેટેગરીમાં પ્રથમ સ્થાને આવનારને પુરસ્કાર સ્વરૂપે 25000 રૂ. બીજા સ્થાને આવનારને 10,000  રૂ.અને ત્રીજા સ્થાને આવનારને 5000 રૂ. અને  પ્રમાણપત્ર પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રાપ્ત થશે.


Friday, 28 February 2025

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી

 

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી






બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેની રુચિ અને વૈજ્ઞાનિક હેતુથી તારીખ 28/2/25 ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી શાળાના આચાર્યશ્રી અમિષ મહેતા તથા વિજ્ઞાન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જોખી કલ્ચરલ હોલમાં ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. જેમાં ધોરણ નવ અને અગિયારના કુલ 80 જેટલાં વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો. અતિથિ વિશેષ તરીકે ડો. જયેશભાઈ ગજ્જર તથા તેમના ધર્મ પત્ની ગીતાબેન ગજ્જર હાજર રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી અમિષ મહેતા તથા ડો.જયેશભાઈ ગજ્જર દ્વારા રીબીન કાપીને દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થનાથી થઈ. શાળાના આચાર્યશ્રી દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા  સ્વાગત કરવામાં આવ્યું. 11 સાયન્સની વિદ્યાર્થીની હાર્દિ દ્વારા આચાર્યશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું.11 સાયન્સની વિદ્યાર્થીની શ્રેયા ગજ્જર દ્વારા ખૂબ જ સુંદર વિજ્ઞાન કાવ્ય રજૂથયું.તેમજ વિજ્ઞાનનું મહત્વ સમજાવવામાં આવ્યું આચાર્યશ્રીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું. મુખ્ય મહેમાન એવા ડો. જયેશભાઈ ગજજરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, આપણો વૈજ્ઞાનિક અભિગમ કેવો હોવો જોઈએ?, વ્યસનથી દૂર કઈ રીતે રહી શકાય તથા નિયમિતતાને વિજ્ઞાન સાથે શું સંબંધ છે. એ વિષય પર ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું. 11  સાયન્સનો વિદ્યાર્થી હર્ષિતે થોમસ આલ્વા એડિસનના પ્રસંગ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી કે, લક્ષ્ય તરફ આગળ જતું દરેક પગલું માણસને સફળતા સુધી લઈ આવે છે તેમજ જનક સોલંકી દ્વારા હોમી જહાંગીર બાબા,સી.વી.રામન જેવા ભારતીય વૈજ્ઞાનિકોની રસપદ માહિતી પૂરી પાડવામાં આવી . ધોરણ 9 અને 11 ના કુલ 155 જેટલા વિદ્યાર્થીઓએ 12 મોડેલ અને 10 જેટલા ચાર્ટસનું ખૂબ જ સરસ પ્રદર્શન નિહાળ્યું.ઓવરહેડ પ્રોજેક્ટર પર પ્રશ્નો તેમજ ઓડિયો વિઝ્યુઅલ અને પ્રાયોગિક રાઉન્ડની રસપ્રદ ક્વિઝ રજૂ થઈ.ક્વિઝમાં કુલ પાંચ ટીમ હતી. દરેક ટીમમાં ત્રણ વિદ્યાર્થીઓ હતા. સંપૂર્ણ કાર્યક્રમનું  સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ક્વિઝના અંતે ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને ડો. જયેશભાઈ ગજ્જર તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા. તથા શાળાના દરેક વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ખરેખર આ કાર્યક્રમ એક અવિરત સંભારણા બની રહ્યો હતો.


Monday, 10 February 2025

પરીક્ષા પે ચર્ચા- 2025 કાર્યક્રમની ઉજવણી

 

પરીક્ષા પે ચર્ચા- 2025 કાર્યક્રમની ઉજવણી







તારીખ 10/ 2 /2025 ને સોમવારના રોજ માનનીય જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી જયેશભાઈ ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓએ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા શ્રેણી નિહાળી આવનાર બોર્ડની પરીક્ષા તથા મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટેનું સુંદર માર્ગદર્શન મેળવ્યું.શાળાના આચાર્યશ્રી અમિષ મહેતાએ મહેમાનોનું સ્મૃતિ ભેટ અર્પીને સ્વાગત કર્યું. આ કાર્યક્રમમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના જિલ્લાના નોડલ અધિકારીશ્રી  રજનીભાઈ મકવાણા સાહેબ તથા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરીમાંથી પધારેલ એ.ડી.આઇ. શ્રી રોહનભાઈ ટંડેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી જયેશભાઈ ચૌધરી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે બાળકો પરીક્ષાના ડર માંથી કઈ રીતે મુક્ત થઈ શકે , તથા સખત પરિશ્રમ થકી ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારનો વિદ્યાર્થી પણ આઈ.આઈ.ટી. જેવા ઉચ્ચ અભ્યાસમાં  મહેનત કરી કઈ રીતે આગળ વધી શક્યો છે તે અંગેનું સુંદર માર્ગદર્શન  પૂરું પાડ્યું હતું.